મુખ્ય પૃષ્ઠ > વિચારો > શેષનાગનું માનવરૂપ.. “દિવ્ય ભાસ્કર” – 10/10/2008

શેષનાગનું માનવરૂપ.. “દિવ્ય ભાસ્કર” – 10/10/2008

જાન્યુઆરી 15, 2010 Leave a comment Go to comments

આ લેખ થોડા સમય પહેલા “દિવ્ય ભાસ્કર” છાપામાં વાંચ્યો હતો, વાંચી ને હું વિસ્મયમા મુકાઇ ગયો. લાગણી અને દુઃખૅ એક સાથે હ્રદય પર ભરડો લીધો હોય એવુ લાગ્યુ. કદાચ થોડો ભારે લેખ આ બ્લોગની શરુઆત માટે પણ આશા રાખુ કે તમને ગમશે.

” માતાની સરખામણીમાં પિતાને હંમેશાં ભૂલી જવાય છે. દૂર વસતાં બાળકો પત્ર લખે ત્યારે પત્રોમાં માને પહેલું સંબોધન કરે છે. પિતાનો તો ઉલ્લેખમાત્ર હોય છે. એમને માટે પત્રમાં થોડી લીટીઓ જ લખાયેલી હોય છે અને તે પણ માત્ર ઔપચારિકતા પૂરતી જ. બાળકોના પત્રમાં લખાયેલા એ થોડા શબ્દોને પણ તેઓ એકાંતમાં ઘણીવાર વાંચે છે.

વરસો પછી મેં અનુભવ્યું કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ પર ઝીલી આપણને છાંયો આપે છે. વરસાદમાં છત્રી અને ગરમીમાં ઠંડી હવાની લહેરખી બની આપણને સુરક્ષિત રાખે છે. એમનું ચાલે તો પોતાનાં બાળકો માટે લાકડાનો ઘોડો, સર્કસનો જોકર એટલે સુધી કે રંગબેરંગી ફુગ્ગો બની જવામાં પણ એમને સંકોચ નથી થતો. જોકે પોતાના આનંદની કોઇ પણ ક્ષણ હોય ત્યારે તેઓ આછા સ્મિતથી વધારે કોઇ પ્રતિભાવ નથી દર્શાવતા. આવી પળોમાં પિતા તરીકે એમનું વ્યકિતત્વ ખરેખર અદૃશ્ય થઇ જાય છે.

છતાં માતાની સરખામણીમાં પિતાને હંમેશાં ભૂલી જવાય છે. દૂર વસતાં બાળકો પત્ર લખે ત્યારે પત્રોમાં માને પહેલું સંબોધન કરે છે. પિતાનો તો ઉલ્લેખમાત્ર હોય છે. એમને માટે પત્રમાં થોડી લીટીઓ જ લખાયેલી હોય છે અને તે પણ માત્ર અૌપચારિકતા પૂરતી જ. બાળકોના પત્રમાં લખાયેલા એ થોડા શબ્દોને પણ તેઓ એકાંતમાં ઘણીવાર વાંચે છે. એ સમયે એમનો ચહેરો જુઓ તો અત્યંત દયામણો અને લાચાર લાગે છે, છતાં એકાંતમાં પણ પોતાના ચહેરા પરની રેખાઓ ભાવુકતાની ચાડી ન ખાઇ જાય એની નિષ્ફળ કોશિશ કરતા રહે છે. એને કારણે કઠોર લાગતો એમનો ચહેરો અમુક હદ સુધી કદરૂપો લાગે છે.

બાળકો મોટાં થતાં જાય છે એમ એમને લાડ લડાવવામાં પણ તેઓ ખચકાટ અનુભવે છે. કયારેક મોકો મળી જાય તો તેઓ ઘમાં સૂતેલાં બાળકોને પોતાની આંગળીઓથી પંપાળે છે, નમીને એના કપાળને ચૂમે છે. એવામાં બાળક જૉ સળવળ્યું તો સંકોચાઇને એ એવા દૂર ખસી જાય છે, જાણે કયાંક ચોરી કરતાં પકડાઇ ગયા હોય!

સરકાર દ્વારા સમ્માનિત થવા છતાં પણ પોતાનાં બાળકો માટે તેઓ હંમેશ એક નિષ્ફળ શિક્ષક જ ગણાય છે. ઓફિસ કે સરકારી ખાતું બાહોશીથી ચલાવવા છતાં ઘરના મોભી તરીકે પિતા મીંડું જ સિદ્ધ થાય છે. કયારેક વળી પત્ની બે ચાર દિવસ માટે એકલી જ કોઇ સંબંધીને ત્યાં જાય છે ત્યારે તેઓ જીવ રેડી પોતાનાં બાળકો માટે મા અને પિતા બંનેની ભૂમિકા નિભાવવા તત્પર થઇ જાય છે. રસોડામાં ઘૂસી નવા પ્રયોગ કરવા લાગે છે, બાળકોનાં પુસ્તક-કપડાં વગેરે ઉત્સાહથી વ્યવસ્થિત કરે છે. આ બધાં કામને કારણે એ દિવસોમાં તેઓ ઓફિસ મોડા પહોંચી બોસનો ઠપકો સાંભળે છે, પણ ઘરે આવતાં જ એ બધું ભૂલીને ફરીથી બાળકો માટે કંઇક નવું સારું કરી છૂટવાની કવાયતમાં લાગી જાય છે. પછી પત્ની જયારે પાછી ફરે છે ત્યારે બાળક પિતાની ઘણી હાસ્યાસ્પદ કોશિશોની મજાક ઉડાવી પોતાની માને સંભળાવે છે, કદાચ થોડા સમય માટે ખોટું પણ લાગે છતાં પોતે પણ એ વાતને હસી નાખે છે. માની ગેરહાજરીમાં ભૂલમાં સ્વાદિષ્ટ બની ગયેલી કોઇ વાનગીના કે દીવાનખાનાની નવી ગોઠવણીના એ મા આગળ કયારેક વખાણ કરી બેસે ત્યારે પિતાના હૃદયમાં ઊઠતા ભાવ એમનો ચહેરો કયારેય દર્શાવી નથી શકતો.

ઘરબહાર પિતા ઘણીવાર હેરાન-પરેશાન અને હતાશ-નિરાશ થાય છે પણ ઘરમાં પગ મૂકતાંની સાથે જ પોતાના પર એક ખુશમિજાજી માણસ અને વિજયી યોદ્ધાનું કવચ ચઢાવી લે છે. કોઇકોઇ વાર તેઓ પોતાની પત્ની સાથે પોતાના પરાજયના દુ:ખને વહેંચવાની કોશિશ પણ કરે છે પણ થોડી જ વારમાં એ પત્નીના મોઢે કહેવાતી બાળકો, બહેનપણીઓની કે સગાંસંબંધીઓની વાતો પર હા-હં કરતા દેખાય છે. પત્ની પાછી એ વાતો કરતી કરતી નિરાંતે સૂઇ જાય છે અને પુરુષ સાંભળેલી વાતો અને ન કહી શકાયેલી વાતો વાગોળતા જાગતા પડી રહે છે. ઘરમાં જયારે પણ કોઇ મુદ્દે ચર્ચા છેડાય છે ત્યારે ઘરના બાકી બધા લોકો એક તરફ અને પિતા બીજી તરફ એકલાઅટૂલા ઊભા હોય છે. ઘર અને બાળકોને લગતા તમામ નિર્ણયોમાં પણ એ લઘુમતીમાં હોય છે. ટૂંકમાં બહુ ઓછીવાર કોઇ એમની સાથે સહમત થાય છે. બાળકોના મોટા મોટા નિર્ણયોમાં પોતાની અનુમતિ ન હોવા છતાં અને એથી પોતે ખીજાયેલા હોવા છતાં તેઓ બાળકોની ઇરછા પૂરી કરવા મથે છે. વિધિની વક્રતા એ છે કે આમ છતાં બાળકોની ઇરછામાં આડે આવવામાં સૌથી મોખરે તેઓ જ ખટકતા દેખાય છે. બાળકો ખાતર ઘણો પરિશ્રમ વેઠવો પડતો હોવા છતાં તેઓ એને છુપાવવામાં જ માને છે. પ્રત્યક્ષ રીતે તેઓ ઇશ્વરને નથી માનતા પણ પોતાના બાળકોની સફળતા અર્થે મનોમન ઇશ્વરને સ્મરતાં-વિનવતાં રહે છે. બાળકો માટે તેઓ માનતા પણ માને છે.

બાળકોને લગતી કોઈ પણ ખબર પિતા પાસે ‘સેકન્ડ હેન્ડ’ જ આવે છે. શરૂશરૂમાં એમને આ બાબતે માઠું પણ લાગતું હોય છે, પણ પછી ખોટું લગાડવાનું છોડી એ સમાચારો અનુસાર સુખી કે દુખી થવાનું શીખી જાય છે. ખરી રીતે પિતા શેષનાગ જેવા હોય છે. એમણે આ પરિવાર રૂપી પૃથ્વીને પોતાના માથે હાલકડોલક થયા વગર, થાકયા વગર અને સતત સંતુલન જાળવી ઊંચકી રાખવાની હોય છે. થાકીને જરાઅમથું પણ માથું હલાવી દે તો તરત જ આખા પરિવારમાં હાહાકાર મચી જાય છે. ત્યારે ધ્રૂજી ઊઠેલા કુટુંબને જોઇ પોતાના થાકની વાત કોઇને પણ કહ્યા વગર, ફરીથી કયારેય પાછા ન થાકવાનો નિર્ણય કરી, પોતાના કામમાં તેઓ વધુ એક વાર મગ્ન થઇ જાય છે.

પિતા આમેય કઠોર હોય છે. એમનો ચહેરો એમની છાતી તથા પીઠની તુલનામાં કાળો થતો જાય છે. એમની મરજી વગર એમનું પેટ પણ વધતું જાય છે. રોજ જિમ જવાનો એમનો નિશ્ચય બે ચાર વાર મહામુશ્કેલીએ પળાય છે, પછી વરાળ બની ઊડી જાય છે. એમના માથાના વાળ ખૂબ જલદી ધોળાં થઇ ખરવા લાગે છે અને દાઢીમાં પણ ખૂબ જલદી સફેદી ચમકવા લાગે છે. શરૂશરૂમાં તેઓ દર અઠવાડિયે વાળ રંગે છે અને નિત્ય દાઢી પણ કરે છે, પણ આ બધું વધારે સમય સુધી નથી નભી શકતું ત્યારે બે રંગી વાળ અને ખિચડીયા દાઢીમાં એમને ચહેરો વધુ નિસ્તેજ ભાસે છે. કયારેક તેઓ સાધારણ કરતાં વધુ સમય અરીસા સામે ઊભા રહે તો બધા એમને શકની નજરથી ઘૂરવા લાગે છે. દીકરો મોટો થઇ પહેલીવાર નોકરી કરવા બીજા શહેરમાં જતો હોય છે ત્યારે ઉપરઉપરથી ખૂબ ખુશ, નિશ્ચિત અને સામાન્ય દેખાવાનો ડોળ કરતાં પિતા અંદરથી ખૂબ ઉદાસ થઇ જાય છે. એ દીકરાને શાંતિથી શિખામણના બે બોલ પણ નથી કહી શકતા. પોતાના સ્વરને સંયમિત રાખવાની કોશિશમાં વિદાય સમયે પણ તેઓ લગભગ ચૂપકીદી સેવે છે. એમની આ ચૂપકીદીને બધા નિષ્ઠુરતા તથા ઔપચારિકતા માની લે છે. છતાં કોઇ વાર લાગણીવશ કોઇને કહ્યા વગર તેઓ ચૂપચાપ એકલા જ દીકરાના શહેરમાં પહોંચી જાય છે. ઘણા વખતે દીકરાને મળ્યા પછી છાતીએ લગાડી ન્યાલ થઇ જાય છે. ડાયાબિટીસ હોવા છતાં દીકરા દ્વારા મગાવાયેલી મીઠી ચા કોઇપણ જાતના ભય વગર આનંદથી ચૂસકીઓ મારી પી લે છે પણ પોતાના આગમનને કારણે દીકરાને નોકરીમાંથી અડધી કે આખી રજા લેવાનું નથી કહેતા.

તેઓ દીકરાના ગયા પછી એનો અવ્યવસ્થિત રૂમ સાફ કરવાનો આનંદ માણવા માગે છે પણ કપડાંની પાછળ ખોસેલી વ્હિસ્કીની બોટલ અને સિગરેટનું પેકેટ જોઇ સફાઇ કરવાનો ઇરાદો માંડી વાળે છે. સાંજે દીકરો પાછો ફરે છે ત્યારે એને કોઇ વાતનો અણસાર પણ નથી આવવા દેતા કે એ ચીજોનો ઉલ્લેખ પણ નથી કરતા. શું વાતચીત કરવી એ પણ એમને સૂઝતું નથી ત્યારે દીકરાની સાથે ફકત ડીનરનો આનંદ લઇ પોતે જરૂરી મીટિંગ છે એવું બહાનું કરી એ જ રાતે ત્યાંથી રવાના થઇ જાય છે. હા, જતી વખતે દીકરાના હાથમાં થોડી મોટી નોટોની થપ્પી થમાવવાનું સુખ તેઓ અવશ્ય લે છે. બસ, આમ જીવનની આ ભાગદોડમાં એક દિવસ અચાનક પિતા પડી જાય છે, ફરી ન ઊઠવા માટે. આખો પરિવાર અવાચક રહી જાય છે. એમના ન હોવાના દુ:ખમાં એમની હયાતીનું મહત્ત્વ કોઇ નવા અર્થમાં સમજાય છે. આખરે યુવાન દીકરો માનાં આંસુ લૂછતાં કહે છે, રડ નહીં મા, ચિંતા ન કર, મૈં હૂં ના! મા દીકરાને છાતીએ લગાડી રડવાનું બંધ કરી દે છે અને ત્યારે પિતાજી ઘરના કોઇ ખંડમાંની એક દીવાલ પર માળા પહેરી છબિ બની લટકી જાય છે, છતાં ઇતિહાસના કોઇ પણ પુસ્તકમાં એ પિતા તરીકે નથી મળી શકતા!”

Source: http://www.divyabhaskar.co.in/2008/10/10/0810100925_aha_zindagi.html

Advertisements
Categories: વિચારો
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: